આઇ શ્રી ખોડીયારનો છંદ – કવિ કાનદાસ મેહડુ

।।દોહા।।
ખટ વરણ સંકટ ખોડલી, આજ મટાડે એમ; 
તારો ઉપર તાકવાં, તૂં જ શાહર તેમ…૧
હે આઈ ખોડિયાર ! આજે ચારણ કવિઓ (ખટ વર્ણ) ઉપર સંકટ આવી પડયું છે. તેનું આપ નિવારણ કરો. આ સંકટ સમયે અમે તો શ્રદ્ધાપૂર્વક–વિશ્વાસથી આપની તરફ જ જોઈએ છીએ. આપ અમારી ધા સાંભળીને સત્વરે આવજો .)…૧

।।છંદ – સારસી।।
ભણત કવિયંદ શાહર, તૂજ વાહર ઘણી જાહર કંધર; 
દૈતાવ ડાહર મતિ શાહર ઉપર તાહાં અમપરં; 
પાંથવા પાહર તુંજ વાહર, મેખ માહર ઝળમળી; 
ખટવ્રણા સંકટ પડી ખોડલ, આવ્ય માત ઉતાવળી…૧
હે ભવાની ! હે આઈ ! કવિઓ આપની સહાય યાચી રહ્યા છે, ત્યારે આપ તેની મદદે આવો . દૈત્યો-દુષ્ટો સૌને ડરાવી રહ્યા છે, ત્યારે અમારી મતિ-બુદ્ધિ તો આપનું જ સ્મરણ કરે છે. અમને તો આપનો જ ભરોસો છે. દૈત્ય મહિષાસુર (પાડો)ને મારનારા હે આઈ ! કવિઓ આપની પ્રાર્થના કરે છે. કવિઓ પર આવી પડેલ સંકટ વેળાએ હે ખોડિયાર આઈ ! આપ સત્વરે તેમની મદદે આવજો.

ઘરમાંહી ધ્રુજે, ને કસુજે, એક તુજો આશરે; 
મનમાંહી મુંજે ના પરૂંજે, પ્રથી તુજે તે પરે; 
ગરમેર ધ્રૂજે, ગગનભજે, વદે બહુ પરચો વળી; 
ખટવ્રણા સંકટ પડી ખોડલ, આવ્ય માત ઉતાવળી… ૨
ધરતી પર ભયનું વાતાવરણ ફેલાતા સૌ ધ્રુજી રહ્યા છે. આ આપત્તિ વેળાએ અમને બીજો કોઈ ઉપાય સૂઝતો નથી. અમારે તો એકમાત્ર આપનો જ સહારો-આશ્રય છે. દેત્યો અમને મૂંઝવી રહ્યા છે, એ દુષ્ટો દૂર થતાં નથી, તેથી અમે આપની પ્રાર્થના કરીએ છીએ. મેરુ પર્વતને પણ ધ્રુજાવનારા અને ખડેડતા આભને પણ પ્રચંડ ભુજામાં ધારણ કરનારા હે આઈ ! આપના આવા ચમત્કારોનું-પરચાઓનું કવિઓ ગાન કરી રહ્યા છે. કવિઓ પર આવી પડેલ સંકટ વેળાએ હે ખોડિયાર આઈ ! આપ સત્વરે તેમની મદદે આવો

નવલાખ ચારણ, કળા સા તારણ, અળા ધારણ દળ અતિઃ
સતવાં સધારણ, કાજ સારણ, શુભ વધારણ લજ સતિ;
વિઘન વડારણ ધરણ ધારણ, કાવ્ય કારણ કળ જળી,
ખટવ્રણા સંકટ પડી ખોડલ, આવ્ય માત ઉતાવળી… ૩

હે નવલાખ દેવીઓ ! આપ ચારણકુળને તારનારા અને ધરતીને ધારણ કરનારા છો હે જગદંબા ! આપનું દળ-સમુદાય વિશાળ છે સાચના પંથે-સતમાર્ગે ચાલનારને સ્વીકારીને આપ તેનું કાર્ય કરો છો, તેમજ તેની ઈજ્જત-આબરૂ રાખીને તેનું શુભમંગલ કરનારા છો. સંકટો-વિધ્નોને સંહારનારા અને ધૈર્યધારણ કરનારા આઈ કવિઓની વ્યથાથી ચિંતાતુર થયા. કવિઓ પર આવી પડેલ સંકટ વેળાએ હે ખોડિયાર આઈ ! આપ સત્વરે તેમની મદદે આવજો.

વઘન વડાળી દેવ ભાળી મચ્છરાળી મોગલં; 
રંગે રૂપાળી વકરાળી દીયે ઢાળી દાનવં; 
આવે ઉતાવળી માતકાળી, દુશમનો નાખે દળી; 
ખટવ્રણા સંકટ પડી ખોડલ, આવ્ય માત ઉતાવળી…૪
સંકટોને દૂર કરનારા દેવી મચ્છરાળી મોગલ આઈ મેં આપનાં દર્શન કર્યા છે. આઈ ! આપ અત્યંત સ્વરૂપવાન હોવા છતાં દૈત્યો સામે વિકરાળ બનીને તેને પ્રાણદંડ આપનારો છો. હે મહાકાળી ! તમે સત્વરે આવીને આ દુશ્મનોને દળી નાખો, તેનો સંહાર કરો. કવિઓ પર આવી પડેલ સંકટ વેળાએ હે ખોડિયાર આઈ ! આપ સત્વરે તેમની મદદ આવજો 

હાજર હજુરં રહેપૂરં, આપ અવસર આવીયે; 
દુથીયાં શર ડર મેટ દેવી, અશર ઘર ઉથાપીય; 
આદ્યશક્તિ અજર અમર, કઠણ વજર જળકળી; 
ખટવ્રણા સંકટ પડી ખોડલ, આવ્ય માત ઉતાવળી…૫
હે મા ! આપ હાજરાહજૂર – પ્રત્યક્ષ છો એવો અમને દ્રઢ વિશ્વાસ છે,એની પ્રતિતી થાય એવો આજ અવસર આવ્યો છે. તો આપ સત્વરે આવો. હે દેવી ! – ભય દૂર કરીને, અસુરોને આ ધરતી પરથી ઉથાપી નાખો-સંહારી નાખો.” જેને વૃધત્વ કે મૃત્યુ નથી. તેવાં – અજરઅમર આદ્યશક્તિએ ધારણ કરેલ વજ્ર ચમકવા લાગ્યુ.કવિઓ પર આવી પડેલ સંકટ વેળાએ હે ખોડિયાર આઈ ! આપ સત્વરે તેમની મદદે આવજો

।।છપ્પય।।
આવ્ય માત અણવાર, વેદના વઘન વડારણ; 
આવ્ય માત અણવાર, વીસોતર લાજ વધારણ; 
આવ્ય માત અણવાર, ભુવણસર પરચો ભાળી; 
આવ્ય માત અણવાર, નવલાખ લોબડીયાળી; 
આવરણ દેવ એવો અદલ, ધનો તુજ પર ધારણા; . 
કવ્ય કાન કહે કીજે કળા, ચડતી જુગ જુગ ચારણા…૬
હે જગદંબા ! આપ આ વેળાએ આવો અને કવિઓનાં સંકટો-યાતનાઓ દૂર કરો. હે આઈ ! આપ આ સમયે આવો અને ચારણોની ત્રેવીસ શાખની આબરૂ-લાજ વધારો. હે આઈ ! આપ આ વખતે આવો અને ભૂમિ પર વસતા સૌ માનવીઓ આપનો પરચો-ચમત્કાર નજરે જુએ. હે નવલાખ લોબડિયાળી ! આપ સૌ આ સમયે એક સાથે આવો. હે જગદંબા ! આપની ઉપર દ્રઢ શ્રદ્ધા-વિશ્વાસ રાખનારા ધન્ય બની જાય એ રીતે સૌ દેવીઓ આવો. કવિ કાન (કાનદાસ મહેડુ) આપને પ્રાર્થના કરીને કહે છે કે હે આઈ ! આપ યુગ યુગ સુધી ચારણોની ચડતી કળા રાખજો.

~~કવિ કાનદાસ મેહડુ
પ્રેષિત-સંકલનઃ મયુર.સિધ્ધપુરા-જામનગર

Loading

One comment

  • Karniputra dhanraj

    हुकम हिंदी में उपलब्ध करवा दीजिए।।

Leave a Reply

Your email address will not be published.