ફેંસલો (फैसलो) – કવિ દુલા ભાયા કાગ (कवि दुला भाया ‘काग’) – छंद झूलणा

॥ ઝુલણાં છંદ ॥

લેખ કાગળ લખ્યાં તાત પ્રહલાદ ને, કાળ ને જીતવા કલમ ટાંકી ;
વર્ષો ના વર્ષ વિચાર કરીને લખ્યું, માંગતા નવ રહ્યું કાંઇ બાકી.
દેવ સૌ પાળતા સહી વિરંચી તણી, દેવ નો દેવ એ જગત થાપે ;
રદ બન્યા કાગળો એક એવી ગતિ, ફેંસલો નાથ નરસિંહ આપે. ૦૧

દેવ-દાનવ મળ્યાં સાથ અચરજઘણી, કર્મ જોગે કરી સંપ કીધો ;
સંપ કરી કોઈનું મૂળ ન ખોદવું, એમણે જલધિનો તાગ લીધો.
ચૌદ રત્નો મળ્યાં ગર્વ ગગને અડયો, વિજયનો મહદ ત્યા થંભ ખોડયો ;
પંદરમો ફેંસલો વિષ હળાહળ ભર્યો, દેવ ને દૈત્યનો દર્પ તોડયો. ૦૨

મુજ થકી કોઇ મોટુ નથી જગતમાં, લેખ એવોજ એણે લખાવયો ;
લેખ લીધા પછી નરમ રે’તો સદા, લેખને ફાડવા કોઈ ન આવ્યો.
સર્વ ને હું ગળુ સર્વ ને હું ગળું, જલધિને એ અહંકાર આવ્યો.
ઉદરમાં ઉતાર્યો કુંભભવ મુનિએ, ગેબનો ફેંસલો ત્યા વંચાવયો. ૦૩

સર્વ સ્થળ પામતા વિજય રણ ક્ષત્રિયો, માર્ગ ભુલી દશો દિશ દોડયા ;
ભાગવું નહિ કદી વીર ને ભારથે, લેખ એવા લલાટે જ ચોડયા.
કુતુહલ નીરખતાં હસી કુદરત કળા, જગતમાં એક ઋષિરાજ આવ્યો.
જમદજ્ઞિએ કુઠારની ધારથી, ફેંસલો ભાગવાનો સૂણાવ્યો. ૦૪

વિપ્રના ઘોર પ્રતાપથી ધડકતી, નામને સૂણતાં ભોમ સારી ;
કંધ કુઠાર વળી જીતના કેફમા, ભુલયો બ્રહ્મવર ભાન ભારી.
સીતા સંતાપહર જગત ત્રય તાપહર, જનકપુરમાં રઘુનાથ આવ્યો ;
ક્ષત્રિ હણનાર ને ક્ષત્રિવર રાઘવે, ફેંસલો વન જવાનો વંચાવયો. ૦૫

લેખ બ્રહ્માં લખે પુછી પુછી અને, હુકમ લીધા પછી વાયુ વાતા ;
મેઘજળ વર્ષતા જેની આજ્ઞા થકી, નવ ગ્રહો ઊંચ ને નીચ થાતા.
બાણની કલમ કરી શાહી શોણિત તણી, પત્ર રણભોમનો ઘોર કિધો ;
દૈત્ય દશશીશના શીશનો રાઘવે, ફેંસલો જગત સન્મુખ દીધો. ૦૬

કંસ શિશુપાલ કૌરવો અને યાદવો, ભીષ્મ ને દ્રોણ તો જમરાજ જેવા ;
સર્વ નો ફેંસલો એક સાથે ઘડયો, કલમ મા કૃષ્ણજી કુશળ કેવા.
હિમગિરી ભીંતમાં જે લખ્યો ફેંસલો, વન જતા પાંડવે શિર ધાર્યો ;
પ્રાચીને પીપળે ભીલ ના બાણનો, ફેંસલો જગતનાથે સ્વિકારયો. ૦૭

રાત દી મુસદા ઘડે છે માનવી, આપની આંખ થી જગત માપે ;
કેસ છે લાભમાં એમ માન્યા કરે, વકિલ પણ એજ સલાહ આપે.
ચતુર ન્યાયાધીશ જ્યાં કાગળો વાંચતો, હાથનું જે લખ્યુ થાય વેરી ;
અક્કલ ના કોયડા કેમ કરી ઉકેલે, ઇશ ની કોરટુ છે અનેરી. ૦૮

કૈક વિધાર્થી ને કૈક પંડ્યા બન્યા, જગત આ એક નિશાળ મોટી ;
કુશળ થય કૈક ભણતર ભણ્યો માનવી, જળ પવનની જ કાઢે કસોટી.
વ્યોમ ઊડે અને જાય ભૂગર્ભમા, કાઢતા હરિની કૈક ખામી ;
કુદરતી કોરટે જ્યાં ચડયો માનવી, ભણેલી ત્યાં સર્વ વિદ્યા નકામી. ૦૯

જેહ ન્યાયાધીશ બન્યા એજ કેદી બને, કેદીઓ તેહને દંડ આપે ;
જે લખે ફેંસલા તે સુણે ફેંસલા, કાળ નો કાયદો કોણ માપે. ?
કોઇ વાંચે નહિ, કોઇ પહોચે નહી, કેમ એની ગતિ જાય જાણી?
“કાગ” હસતા અને કૈક રોતા હતા, ફેંસલો માનતા સર્વ પ્રાણી. ૧૦

~~ દુલા ભાયા કાગ (મજાદર)

प्रेषक – मोरार दान सुरताणिया, मोरझर कच्छ

Loading

2 comments

  • दिनेश पांचाल

    हुकम म्हाने ए छंद बहोत ही छोखा लाग्या, पण इन्हें हिंदी में लिखर भेजो सा।

  • भरत दान सामोर

    हुकुम आ जानकारी हिंदी में साझा करें सभी राजस्थान वालों के समझ आ सके

Leave a Reply

Your email address will not be published.