ગઝલ

ડેલીયો માં ડાયરો થાતો નથી.
એટલે હું ગામડે જાતો નથી.
રાસડા ,ગીતો ને છંદો ગુમ થયા,
રસ ભરી વાતો નથી,રાતો નથી.
ગામડા ને શ્હેર છે ભરખી ગયું,
ગોંદરે જણ એક દેખાતો નથી.
આમ્રવન બદલાઈ ગ્યું છે ફ્લેટ માં,
કોકિલા નો સાદ સંભળાતો નથી.
રાયડા ના ફૂલ પીળાં ક્યાં ગયાં,
ખાખરા નો રંગ પણ રાતો નથી.
ખેતરો છે શુષ્ક જળ તળ માં ગયું,,
મોલ મબલખ ક્યાંય લ્હેરાતો નથી.
ભીંત સામે ભીંત છે બસ ભીં ત છે,
વાયરો ખડકી માં થઇ વાતો નથી.
ઓઢી હું છત ની રજાઇ પોઢતો,
જેમાં તારા ચાંદ ની ભાતો નથી.
નૈણ નીચાં ઢાળી કાઢી ઘૂમટો,
પાણી એ ચ્હેરો હવે પાતો નથી.
શબ્દ નું સંતૂર ના સંતાડ તું,
સાજ વિણ નરપત ગઝલ ગાતો નથી.

~~©નરપત વૈતાલિક

Leave a Reply

Your email address will not be published.