કાગળ પર

મિત્રો આ ગઝલ મેં લગભગ ૧૯૯૪ માં લખેલ જ્યારે.હું મોરબી માં લખધીરજી ઇજનેરી કોલેજ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતો હતો. તુલસીદાસ જી ની જેમજ “સ્વાન્ત:સુખાય તુલસી રઘુનાથ ગાથા” મેં કોઈ પત્ર પત્રિકા માં ક્યારેય મોકલવા નો એ એ વખતે પ્રયાસ કરેલ નહીં. માત્ર મિત્રો અને કુટુંબના સ્નેહી સંબંધી સુધી જ મારી રચના મર્યાદિત રહેતી. આ વખતે મારા વતન ખાણ રાજસ્થાન જવાનું થયું તો પુરાણી ડાયરી શોધતાં મળી ગઇ. તો આપ પણ માણો મારી શરુઆતી ગઝલ . હવે થી રોજ આંતરે દિવસે હું મારી જૂની રચનાઓ આપને ફેસબુક પર પોસ્ટ કરતો રહીશ.
🌺ગઝલ🌺
લૂ ની જેવા લખું નિસાસા કાગળ પર!
હરપળ નાટક રોજ તમાશા કાગળ પર!
તને પામવા લઉં સહારો પેન પત્ર નો,
ને સરવાળે મળે નિરાશા કાગળ પર!
ડરી ગયો છું નથી હવે જીવવાનો આરો,
કોણ મોકલે અમને જાસા કાગળ પર!
કેદ કરી પરબીડીયા એ અટકાયત કીધી,
ને તહોમત છે હેઠળ પાસા કાગળ પર!
માત્ર અઢી અક્ષર ને શોધે આંખો મારી,
હોય ભલે ને અક્ષર ખાસા કાગળ પર!
ગઝલ નથી લખતો હું “નરપત” પણ આ તો,
છે એને ભુલવા ની ભાષા કાગળ પર!
~~©નરપત વૈતાલિક