કાંકરી – કવિ શ્રી દુલા ભાયા કાગ

કુળ રાવળ તણો નાશ કીધા પછી, એક દી રામને વહેમ આવ્યો;
“મુજ તણા નામથી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો?”
એ જ વિચારમાં આપ ઊભા થયા, કોઇને નવ પછી સાથ લાવ્યા;
સર્વથી છૂપતા છૂપતા રામજી, એકલા ઉદધિને તીર આવ્યા. 1
ચતુર હનુમાનજી બધું ય સમજી ગયા,
ચાલિયા શ્રી રઘુનાથ પે’લે;
રામનો દાસ એ વેરીના વતનમાં,
રામને એકલા કેમ મેલે?
તીર સાગર તણે વીર ઊભા રહ્યા, કોકથી જાણીયે હોય ડરતા;
હાથમાં કાંકરી એક લીધી પછી,
ચહુ દિશે રામજી નજર કરતા.2
ચોરના જેમ હનુમાન સંતાઇને,
વૃક્ષની ઘટાથી નીરખે છે;
ચિત્તમાં કપિને ખૂબ વિસ્મય થયું;
”આ રઘુનાથજી શું કરે છે?”
ફેંકતાં કાંકરી તુર્ત તળિયે ગઇ,
તસગરે જાણીયે હોય લૂંટ્યા;
રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા. શરમના શેરડા મુખ છૂટ્યા. 3
ચરણમાં જઇ કપિ હાથ જોડી કહે;,
”નાથજી! આ મતિ કેમ આવી?
હાથ જેનો ગ્રહ્યો તેહને ફેંકતાં,
આપના બિરદની શરમ ના’વી? તારનારા બની નીરમાં ધકેલો,
માફ કરજો, કરી ભૂલ ભારે;
તમે તરછોડશો તેહને નાથજી !
પછી ત્રિલોકમાં કોણ તારે?
~~કવિ શ્રી દુલા ભાયા કાગ