કહેજો બે ઠપકાનાં વેણ
દ્વારકાની દશ્ય કોર્ય જાઓ તો ,શ્યામને કહેજો બે ઠપકાનાં વેણ.
તારી યાદુંના ભોરીંગ અંતરને ઓરડે ,ભૂંરાટા ભટકે દિ-રેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.
ગોકુળની ગોરજ હવે પાંપણ પર પાથરે,પીડાના પથરાળા પહાડ,
તારા પગલાં પડ્યાં છે ત્યાં છબે છે પાનીયું,તો ઉગે છે વેદનાનાં ઝાડ,
હોય વેરીનાં વેર તો હરખે જીરવીએ,તું તો વેરી જેમ વેડે છે શેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.
મથુરાના પાદરમાં ખળકે છે એક જોડ્ય,બેવડ નદીયુંમાં ઘોડાપૂર,
એક કોર્ય આંસુના તુટ્યા છે આડબંધ,ને-જમના બની છે ગાંડીતૂર,
માણસ હોવાનો કંઇક રાખજે મલાજો,હવે કોઇ’દિ નહીં મોકલું કહેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.
તું આવે ન આવે એ મરજી છે તારી,પણ અરજીનું રાખજે ઓસાણ,
પંડ્ય પડી જશે એની પરવાયું નથી,તને જોવાની રહી જાશે તાણ,
હવે તો આવતા અવતારે તું રાધા ને શ્યામ હું,સમજી લઈશું લેણ-દેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.
ઇશુભાઇ ગઢવી