કહું વાત કાન માં!

આવો જરાક આમ કહું વાત કાન માં!
અથ થી ઇતિ તમામ કહું વાત કાન માં!
ઉચ્ચૈશ્રવા ઉમંગ ના જે હણહણી રહ્યા,
તેને કરો લગામ કહું વાત કાન માં!
બાજુ ના ઘર માં કઇક તો નક્કી થયું જ છે,
ખખડી રહ્યાં છે ઠામ કહું વાત કાન માં!
સાવજ બની ને રોજ જે ડણકે છે ગર્વ થી,
તે ઘરમાં છે ગુલામ કહું વાત કાન માં!
અફવાએ આ બજાર ને રૌનક સભર કર્યું,
તેથી છે ચક્કાજામ કહું વાત કાન માં!
મારી ને ફૂ્ક ઘાવ જે પંપાળતો હતો,
તેણેજ દીધા ડામ કહું વાત કાન માં!
બે શખ્શ પ્રેમ માં પડી મશહૂર થઈ ગયા,
ચર્ચાણા ગામે ગામ કહું વાત કાન માં!
આ જિંદગી ને જીવવી છે સ્હેલ ક્યાં હવે?
દોઢા વધ્યા છે દામ કહું વાત કાન માં!
વિશ્વાસ મૂકી આપ પર વાતો કરી તમામ,
લેતા ન મારું નામ કહું વાત કાન માં!
કાદંબરી ગઝલ ની ‘નરપત’ભરી ભરી,
જોયો મેં પીતા જામ કહું વાત કાન માં!
~~નરપત વૈતાલિક