કાળજા કેરો કટકો

કાળજાનો કટકો
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..
કાળજા કેરો કટકો મારો….
છબતો નઇ જેનો ધરતી ઉપર,પગ આજ થીજી ગ્યો;
ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો….
કાળજા કેરો કટકો મારો…
બાંધતી નઇ અંબોડલો, ભલે હોય ઇ છૂટી ગ્યો;
રાહુ થઇ ઘૂંઘટડો મારા,ચાંદને ગળી ગ્યો-
કાળજા કેરો કટકો મારો…
આંબલી પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;
ધૂબકા દેતી જે ધરામાં, ઇ આરો અણોહરો-*
કાળજા કેરો કટકો મારો…
ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;
ધારથી હેઠી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો-
કાળજા કેરો કટકો મારો…
લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો રયો;
જાન ગઇ જાણે જાન લઇ; હું તો સૂનો માંડવડો-
કાળજા કેરો કટકો મારો.