કાન તને રાધા ગમે કે ગમે મીરાં?

કાન તને રાધા ગમે કે ગમે મીરાં?

એકે કાળજ કરવત મેલ્યાં, એકે પાડ્યા ચીરા!

કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો;

એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો.
એકે તુજને ગોરસ પાયાં, એકે ઝેર કટોરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી ન ઓઢયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી, એકે ભગવા લીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

મલક બધાનો મેલી મલાજો રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલાતો મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની, બીજી શબદ શરીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

કીધું ક્રિષ્નએ પૂછો એટલું મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મોરે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરા!
કાન કહે મારે બે સરખાં રાધા-મીરાં!
કાન તને રાધા ગમે કે મીરાં?
કવિ શ્રી દાદ

Loading

Leave a Reply

Your email address will not be published.