માવલ સાબાણી અને આઇ રવેચીનો કુંભ (मावल साबाणी अने आई रवेची नो कुंभ)


કેરાકોટની રાજમહેલની અટારીયે આથમતાં સુર્યની ચર્ચા જોતી ચારણ આઇ જશી, રાણી સોનલ અને તેની દાસી ડાઈ એ ત્રણેય બેઠી હતી. એ દરમ્યાન સુર્યના કિરણમાંથી એક ફુલ મેડીની અટારીમાં પડયું. ફુલની સુવાસ ચોતરફ મધમધ ઊઠી. આઇ જેસી રાણી સોનલ અને દાસી ડાઈએ ક્રમશઃ ફુલ સુંઘે છે. ફુલની સુગંધ અલૌકિક ત્રણેય સખીઓ એ ફુલ સુંધી ઘોડારમાં નાંખે છે ત્યાં ઘોડારમાં નેત્રમ નામની ધોડી આ ફુલ સુંધે છે. આ ફુલમાં એવી દૈવીશક્તિ હતી કે જે સુંઘે તેને ઓધાન રહે. આથી ત્રણેય સખી અને ઘોડીને ઓધાન રહે છે. નવમે મહિને સોનલરાણીને પુત્ર લાખાનો જન્મ, ચારણઆઇ જેસીને પુત્ર માવલસીનો જન્મ, ડાઈબેનડીને કમલ દિકરીનો જન્મ અને ઘોડીને માણેરા વછેરાનો જન્મ થાય છે.આ ધટનાની ક્વિદંતી લોકોમાં ખુબજ પ્રચલીત છે.

જે દિ માવલ જમનીયો, લાખણશી સોનલ,
નેટમ માણેરો હુવો, ડાઈ જાઈ કમલ,
લાખાપુત સમુદ્રકા, ફુલ ઘરે અવતાર,
પારેવા મોતી ચૂંગે, લાખારે દરબાર.

જે દિવસે લાખાનો જન્મ થયો એ જ દિવસ તેના પરાક્રમી પિતા કુલ જાડેજાએ પાટણનો કિલ્લો જીતી વિજેતા બન્યા.

જે દિ લાખો જનમીયો, ઘર પર કરછ ધરા,
તે દિ પીયણ પાટણજા, કોટા લોટ કરા.

લાખાનો જન્મ શક સંવત ૭૭૭ને ઈ.સ. ૮૫૫માં થયો હતો. અનુમાન કાઢી શકાય.

શાકે સાત સીતોતરે, સાતમ શ્રાવણ માસ,
સોનલ લાખો જનમીયો, સુરજ જયોત પ્રકાશ.

ફુલ જાડેજા પાટણનો કિલ્લો જીતી ઘરે આવે છે તેમને નગરમાં પ્રવેશતાં જ પુત્ર જન્મની વધાઈ મળે છે. સૂર્યના ફુલની સર્વત્ર ચર્ચા થાય છે. કુલ જાડેજાને સંશય જાગે છે. આમ સત્ય પ્રમાણ બતાવવા સોનલ મહારાણીને ફરમાન કરે છે. સોનલ મહારાણી કહે “ચીતા ખડકાવો હું સળગતી ચીતામાં બેસું, લાખો જો સૂર્યના ફુલનો હશે તો તેનું સત્ય પ્રમાણ પણ સૂર્યનારાયણ આપશે. સતીઓને માટે તો સદાયે અગ્નિપરીક્ષા જ હોય છે.” દરબારગઢમાં ચોકમાં ચીતા ખડકીને પ્રગટાવવામાં આવી. અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠ્યો.

કોરી સાડી અંગે ધરી, ડીલે ન લાગે ડાઘ,
લાખો હોય જો ફુલનો, સૂરજ પૂરજે શાખ.

મહારાણી સોનલ સ્નાન કરી કોરી સાડી અંગે ધારણ કરી સૂર્યનારાયણને ” પ્રાથના કરી, વંદન કરી કહ્યું કે “હે પ્રત્યક્ષદેવ સૂર્યનારાયણ તમારાં ફુલનો લાખો હોય તો મારી લાજ રાખજો” એટલું કહી સોનલ મહારાણી સળગતી ચીતામાં પ્રવેશ્યા. સોનલમહારાણીને અગ્નીની જવાળાઓ અટકી નહીં. મહારાણી ને લાખો અગ્નિમાંથી હેમખેમ બહાર નીકળ્યાં.
સતીમાનો જયજયકાર કર્યો. લાખો સુરજનો સંતાન કહેવાયો. લાખો પરાક્રમી, દાનવીર, શૂરવીર તરીકે પંકાયો એક દિવસ લાખો તેની ઉમારાણીને પૂછે છે ?

લાખો કહે છે કે જે સમૃદ્ધિ મળી છે તે માણી લેવી જોઈએ કારણકે આ દેહનું, શરીરનું સાત કે આઠ દિવસ પછી શું થશે તેની કોઈને ખબર છે? આના પ્રત્યુતરમાં રાણીજી લાખાને કહે છે કે.

હે લાખાજી તમે તો સાત કે આઠ દિવસનો ફેર રાખ્યો છે પરંતુ હું તો દિવસ ઊગે ને આથમે એ દરમ્યાન શું થશે તેની કોઈને ખબર છે ? આ ઉમા રાણીજીનો પ્રત્યુતર સાંભળી તેની કુંવરીબાએ તેનાં પિતા લાખાજીને અને તેની માતા ઉમારાણીને કહે છે :

લખપતી રાજા લાખાજી લાખાજી ભુલી ગયા છે.રાણી ઉમાબા તમે પણ ભૂલી ગયા કે આંખનું મટકું મારશું તો દેહનું શું થશે તેની કોઈને ખબર છે ? આ સાંભળી રાણીબાની બાનડી કહે છે :

લાખાજી, ઉમાબા અને કુંવરીબા એ ત્રણેય ભૂલી ગયાં છે કે શ્વાસ લીધોને ગયો. શ્વાસના બટાવડાની ખબર પડતી નથી. શ્વાસ અંદર ગયો ને પાછો નીકળે એ દરમ્યાન શું થશે તેની કોને ખબર છે?

લાખા ફુલાણીના દશોંદી ચારણ માવલસી એક તેજસ્વી પ્રતાપી ને માતાજીનાં અનન્ય ઉપાસક દેવીપુત્ર હતા. તેમનાં પિતાશ્રીનું નામ સાબો અને માતાનું નામ જશીઆઈ હતું.તેઓ ચહુઆ ગોત્રના વરસડા શાખાના હતા. એમનો જન્મ તેમની માતા દ્રારા સુરજ કિરણમાંથી પડેલુ ફુલ સુંધવાથી થયો હતો.તેમનાં નાના ભાઈનું નામ મેંદ હતું. લાખો ફુલાણી કવિ હતો. તેમનો દરબાર કવિઓનાં સત્કાર ભર્યો ભાદર્યો રહેતો. દૂર દેશાવરમાંથી પંડિત, કવિઓ તેમની કાવ્યકલા રજુ કરવા લાખાના દરબારમાં આવતા. લાખાજી અને માવલ સાંબાણી કાવ્યકલાનું મૂલ્ય આંકી સૌ કોઈને સન્માનતા, માવલજીના પિતાની ઉંમર થતાં વૃદ્ધાવસ્થાને કારણે ઘરનો કારભાર, વ્યવસ્થા માવલ સાંબાણીને શિરે આવી પડી. આથી માવલ. સાંબાણીને લાખા ફુલાણીએ ચૌવીસ ગામનો ગરાસ આપ્યો. માવલને બાર પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ કાળો ગોહેડ હતું તેને કચ્છના રાજપરિવારના એક સભ્ય સાથે કોઈક નાની વાતમાં મતભેદ પડતાં, તેને કચ્છમાંથી સ્થળાંતર કર્યું. આ સ્થળાંતરમાં કાળાગૌડની સાથે તેમના કાકા મેંદ, તેનો નાનો ભાઈ થાનો અને બીજી કેટલાંક ચારણો સૌરાષ્ટ્રમાં આવ્યાં. માવલના ભાઈ મેંદે જૂનાગઢ ગિરનારની ગોદમાં મેંદપરાનો નેસ વસાવ્યો ને ત્યાં સ્થિર થયાં. કાળો ગોહેડ અને નાનો ભાઈ ધાનો દ્વારકા તરફ ગુરગટ સોહીનોનેસ, કુરંગા, મઢી, ગોજીનોનેસ અને ભોગાતમાં વસવાટ કર્યો. બાકીના ચારણોએ બરડાના ડુંગરમાં અને પોરબંદર રાજ્યમાં વસવાટ કર્યો. આ સ્થળાંતરનો સમયકાળ ઈ.સ. ૯૦૦ થી ૯૮૨ નો માનવામાં આવે છે.

જુગ જુનો મહાતપસ્વી જેવો એક મહાન યોગી સમો ગિરનાર પર્વત અતિ પવિત્ર અને પૂજનીય મનાયો છે. પાર્વતીજી અંબીકારૂપે ગિરનાર પર, વિષ્ણુએ દામોદરકુંડમાં અન્ય દેવો ચારણો, ગાધર્વો યક્ષોએ ગિરનારના અલગ અલગ સ્થાનોમાં પોતાના નિવાસ કર્યા છે. નવનાથ, ચોર્યાસી સિધ્ધો, સંતો, સંન્યાસીઓ, અઘોરીઓ, ઘોડામુખા સાધુઓ, અમર આત્માઓ એ ગિરનારમાં સ્થાયી નિવાસ કર્યો હોવાથી ગિરનારને સાધુઓનું પિયર કહેવામાં આવે છે. ગિરનારમાં દશ કરોડ સાધુઓ હોવાની માન્યતા છે. આવા ગિરનારની ગોંદમાં મોટો માલધારી ચારણ મેંદ સાંબાણી ગાય, ભેંસો, ઊંટ, ઘોડા, બકરા, ઘેટાં જેવાં પશુઓ પાળી સાધુ, સંતો, સંન્યાસીઓની સેવા કરી રહ્યો છે. કોઈપણ સાધુને ગાયનું દૂધ-ઘી કે બકરીનું દૂધ જોઈએ તો ચોવીસેય કલાક મેંદના નેસમાંથી મળી રહેતું. મેંદની પ્રખ્યાતિ સમગ્ર ગિરનાર ક્ષેત્રમાં પ્રસરી ગઈ હતી.

એક દિવસ ગિરનારમાંથી એક અઘોરી સાધુ મેંદના નેસમાં આવી મુકામ કર્યો. અઘોરી રસાયણ, વનસ્પતી, મંત્ર, તંત્ર, યંત્રનો ભારે જાણકાર અને અભ્યાસી હતો. એણે મેંદના બકરીના વાઘમાં એક નવસારી બકરી જોઈને સોનાનો પરચો બનાવવાની ઈચ્છા થઈ. પોતાની વિદ્યા અજમાવી સોનાનો ભંડાર ભરવા માટે મેંદને કહ્યું કે “બચ્ચા મેંદ તને સોનાનો પરચો બનાવી દઉ” મેંદને સાધુની વાત સમજાણી નહીં પરંતુ સાધુની વાતને તેણે સમર્થન આપ્યું પરંતુ તેને ખબર નહીં કે સાધુ તેના શરીરનો જ સોનાનો પરચો બાનાવવાનો હતો. સાધુએ તો માળીલા ગામ પાસે મોટી ચુલ ભઠ્ઠી બનાવી તેના ઉપર મોટી લોઢાની કળા ચડાવી. ત્રણ ડબ્બા તલના તેલના તેમાં નાખ્યાં, ગિરનારમાંથી વનસ્પતિઓનાં વેલ, પાંદડાંઓ અને મૂળીયાં નાંખ્યાં, નવસારી બકરી અમરવેલનો ચારો ચરે તે અમરવેલ લઈ તેમાં નાંખી. મેંદ તો સાધુ જેમ કહે તેમ તેની આજ્ઞા પ્રમાણે નિર્દોષ ભાવે કામ કરતો જાય છે. સાધુએ તો ચુલને સૂકાં લાકડાની અગ્નિથી ચેતાવી થોડીવારમાં તો ચૂલ એકદમ ચેતી ગઈ એટલે સાધુ મેંદને કહે “સામેથી રાણના ઝાડનું લાકડું લઈ આવ.” મેંદ રાણાના ઝાડ પાસે જઈ કુહાડાથી રાણના ઝાડમાં, ઘા કરવા જાય છે તો ઝાડમાંથી અવાજ સંભળાય છે ‘મેંદ રેવા દે રેવા દે’ મેંદને મનોમન થાય છે કે મારું મન વૃક્ષદેવને કાપતા ડરે છે એટલે બીજો ઘા કરે છે. ત્યાં તો રવરાયમાં પ્રગટ થઈ કહે છે. “બેટા મેંદ આ સાધુ અઘોરી છે તે મેલી મુરાદથી તારી પાસે આવ્યો છે તારુ શરીર ને સોનાનો પરચો બનાવી દેશે તેની તને ખબર નથી પરંતુ હું તારી સહાયતા કરવા આવી છું, હવે હું જે રીતે તને કહું છું એ રીતે જ તારે કરવાનું છે તેમાં ભૂલથાપ ખાતો નહીં, હિંમત હારતો નહીં આ રાણનું લાકડું લઈ જઈશ એ પછી સાધુ તને કહેશે કે બેટા નાહી લે ત્યારે મેંદ તારે કહેવું કે તું ભણે નાતો હું નાવ, તારી સાથે સાધુ નાસે, પછી તે સાધુ કહેશે બેટા આ કળાને આંટા ફર ત્યારે તારે સાધુને કહેવાનું કે તું આંટા ફરતો હું આંટા ફરૂ ત્યારે સાધુ તારી સાથે કળાને આંટા ફરશે. એ પછી કળાને એક આંટો બીજો ને ત્રીજો આંટો કળાને ફરીશ ત્યારે સાધુ તને ઉપાડશે એ સમયે તું મને સાદ કરજે કે ‘આવજે રાણાવળી રવરાઈ ‘ એટલે હું તને ‘
અતુલીત શક્તિ આપીશ એટલે સાધુને ઉપાડી ઊકળતી કળામાં નાખી દેજે, હવે જા બાપ મેંદ તારી ભેરે “રાણાવાળી હું રવરાઇ છું.”

રાણનું લાકડું લઈ મેંદ સાધુ પાસે આવે છે. સાધુ મનોમન પ્રસન્નતા પામી રહ્યો છે. સાધુ કહે “બેટા તું નાહી લે’ મેંદ કહે “ભણે તું નાતો હું નાવ” મેંદની હારે સાધુ પણ નાહી લે છે. એ પછી મેંદને સાધુ કહે “આ કળાને આંટા ફર” મેંદ કહે “તમે આટા ફરો તો હું કરું, ” મેંદે ને સાધુ કળાને આંટા ફરે છે. કળાને એક આંટો, બીજો આંટો ફરે છે ત્રીજે આંટે સાધુ સિદ્ધિના બળે ઉપાડવા જાય છે ત્યારે મેંદ મા રાણવાળી રવરાઈને અંતરથી સાદ કરે છે. “હે આવજે રાણવાળી મારી માં ૨વરાઈ” મેંદના શરીરમાં દેવીશક્તિનું પ્રાગટય થાય છે. મેંદ સાધુને ઉપાડી ઉકળતી કળામાં નાખે છે. સાધુ કહે “બેટા મારાં હાથ પગ કાપજે ધડને અને શીશને કાપતો નહીં.” સાધુ સોનાનો પરચો બની ગયો. આજે પણ માળીડા ગામે આ બનાવના અવશેષો જોવા મળે છે.

છંદઃ
અતીત પરસો કર્યો અમર, થરૂ વનમાં થાપીયો,
મેંદીયાને જોગમાયા આઈ પરસો આપીયો,
બાવન વીરા ચોસઠ જોગણ ભાળતા તને દુર ભણે,
૨વરાઈ માજી ભીર રાખણ સાદ આપણ આ સમે.

મેંદ આ પરચો લઈ પોતાનાં મોટા ભાઈ માવલ સાબાણીને ત્યાં આવે છે. રવરાયના પ્રતાપે માવલ સાબાણી દાનની સરવાણી છૂટે હાથે વહેતી મૂકે છે. અન દાન આપે છે. માવલ સાંબાણીની ખ્યાતિ કચ્છમાંથી બહાર નીકળી દૂર દેશાવર સુધી વ્યાપી જાય છે. બા૨વાણ ભાટ ને કાને કચ્છના માવલ સાંબાણીની કીર્તિ પહોંચે છે. માવલ સાંબાણીની સાથે ગોષ્ઠિ કરવાની ઈચ્છા જાગૃત થાય છે.

ઘુમલીના જેઠવા રાજવંશના બારોટને જેઠવા રાજવી લાખ પસાવથી સન્માનીત કરે છે. આ સમાચાર ભાટના નાનાભાઈ બારવાણ ભાટ એકદમ ઉતાવળે ઉત્સાહથી ઘરે પહોંચાડવા જાય છે. ઘરે મોટાભાઈના ઘરેથી ભાભી-ભોજાઈને વધાઈ આપે છે. કે મોટાભાઈ લાખપસાવ લઈને આવે છે.” બારવણના ભોજાઈ આ સાંભળી બારવણને મેણું મારે છે. “તમારાં મોટાભાઈ લાખપસાવ લઈને આવે છે તમે નહીં ને ?” મેણાનો ચોટદાર ઘા બારવણને બરોબરનો લાગી જતો તે સિધો મીયાણી હર્ષદ હરસિધ્ધિમાના મંદિરે આવે છે. મંદિરના પૂજારીને બારવણ કહે. “મારે માના ચરણે તપ કરવા બેસવું છે.” હરસિધ્ધિમાના પુજારી કહે તપ કરવા બેસવું હોય તો ડુંગર ઉપર માનું સ્થાનક છે ત્યાં જઈ તપ કરો.” બારવણજી ડુંગર ઉપર પગથિયાં ચડીને માના પુરાણા મંદિરનું તપ કરવા
લાગ્યા. રાત્રિનો સમય થાય છે. બારવણજી માતાજીને પ્રાર્થના કરતા કહે “હે હરસિધિ દયાળુમાં ચારણને ભાટને જીભાને સરસ્વતી ન હોઈ તો ઈ જીભ શું કામની !” એમ કહી પોતાની જીભ કાપી હરસિદ્ધિમાના ચરણે ધરવા જાય છે ત્યાં તો પોતે બેશુધ્ધ અવસ્થામાં પડી જાય છે. સવારે ઉજ્જૈનથી કોયલા ડુંગર હરસિદ્ધમાં પોતાના સ્થાને પધારે છે તો બારવણજી ભાટ બેશુધ્ધ અવસ્થામાં મંદિરમાં પડયા છે. માના મંદિરમાં આગમન થતાં જ બારવણજી બેઠા થઈ માના ચરણે આળોટવા લાગે છે. મા હરસિધ્ધિ તો

તું તો જાગતી છે જ્યોત જોગમાયા…દયાળુ મા હરસિધ્ધિ.
તારા ગુણ કવિ પંડિતે ગાયા…દયાળુ મા હરસિધ્ધિ –
તું કોયલા ડુંગર વાળી… દયાળુ મા હરસિધ્ધિ
તારા બાળકને માત લે બચાવી… દયાળુ મા હરસિધ્ધિ
મારે આશરો એક છે તમારો…. દયાળુ મા હરસિધ્ધિ

બારવણજીનો પુકાર સુણતાં જ માં હરસિધ્ધિએ બારવણજીને વરદાન આપતાં કહ્યું, કે “તારી મનોકામના પૂર્ણ થશે. તું મારી કૃપાથી છ મહિનાના બાળકના મુખેથી વેદ પુરાણોની વાતો કરાવી શકીશ પરંતુ આ બાબતનું ગુમાન, અભિમાન ક્યારેય લાવતો નહી.કચ્છમાં આ વિદ્યા કયારેય અજમાવીશ નહીં. નીતિ, નિયમ ને ગર્વરહિત રહીશ ત્યાં સુધી હું તેને સહાયતા કરતી રહીશ.” આ રીતે મા હરસિધ્ધિના આશિર્વાદ લઈ બારવણ ભાટજી રાજ-રજવાડામાં સાહિત્યકલા રજૂ કરતા ભમવા લાગ્યા. દરેક રજવાડામાં, દરબારમાં બારવણજી જઈને કહે “તમારા રાજના કવિ પંડિતને છ મહિનાના બાળકના મુખેથી વેદ પુરાણોની વાતો બોલવાનું કહો, એ બોલાવી ન શકતા હોય તો મારી સામે હારી ગયાનું જાહેર કરી મને સોનાનું પુતળું આપો એટલે હું બીજે રજવાડે રવાના થાઉં.” આ રીતે જે જે રાજદરબારોમાં જાય ત્યાં બારવણજીની જીત થાય. મોટાભાગના રાજદરબારોમાં વિજયી થતાં હવે કચ્છ રાજયના રાજ દરબારોમાં જવાનો બારવણએ નિશ્ચિય કર્યો. સૌ પ્રથમ લાખા ફુલાણીના રાજદરબારમાં બારવણજીએ ઊતારો કર્યો. લાખા ફુલાણીની કચેરીમાં બારવણજીએ પોતાની શરતની જાહેરાત કરી. “હે રાજવી ! હું છ મહિનાના બાળકના મુખેથી વેદ-પુરાણોની વાતો કરાવી શકું છું. તમારા કવિ પંડિત છ મહિનાના બાળકને બોલાવી દે, ન બોલાવી શકે તો હાર કબુલ કરી સોનાનું પુતળું મને આપી દે એટલે હું હાલતો થાઉ”. લાખા ફુલાણીએ તેમનાં રાજકવિને પૂછ્યું કે “દેવીપુત્ર શું કરવું છે.” દેવીપુત્ર માવલજી કહે “બારવણજી માં હરસિધ્ધિના કૃપાપાત્ર કવિરાજ છે. દેશદેશાવરના રાજદરબારોના કવિ પંડિતોને જીતી અત્રે પધાર્યા છે. એ આપણા રાજના અહોભાગ્ય કહેવાય. કવિરાજ આપણા રાજની મહેમાનગતિ માણે એ દરમ્યાન માતાજી જેવો હુકમ કરશે એ રીતે આપણે કરીશું.” બારવણજી કહે” કાંઈ વાંધો નહીં. બારવણજીને રાજની રીત રસમ મુજબ ઉતારો અપાયો. માવલજી ઘરે જઈ માના સ્થાનકે દર્ભનું આસન પાથરી અન્ન-જળનો ત્યાગ કરી માના ચરણમાં માતાજીના જાપ જપતા સ્મરણ કરતા બેસી ગયા.

દુહો
સુતા માવલને સખ નઈ, અંગે ઝઝો ઉચાટ,
આઈ અમને બાળવણ, ભેંકાર લાગે ભાટ.
માં માં મુખથી વદા, માં રહે કિં મુંજાઈ,
અઘરા કામ ઉકેલણી, રાણવાળી ૨વરાઈ.

માવલજી કહે “હે મા અમારાં અઘરા કામતું સદાયે ઉકેલનારી છો.” માતાજી માવલજીને જવાબ આપે છે.

દોહાઃ
આધી રાતે આવી, મહાશક્તિ મહામાય,
હારીસમાં માવલ હૈયેં, એ પઠ બોલી આઈ.
આઈ કે આપા બીસમાં, માહોલીયા મનમાય.
સપને આવી શકત, રમઝમતી ૨વરાઈ.

અડધી રાતે માં આઈ રવરાઈ માવલજીના સ્થાનકે પધાર્યા. “હે માલવજી હરીશમાં મુઝાઈશમાં, હું તારે ભેરે છું. સહાયતા કરવાવાળી છું બારવણજી ભાટને કહે છે કે છ મહીનાના બાળક તો બોલે કારણ કે એના મોઢામાં જીભ છે. જીભાળાને આપે. જગત પરંતુ હું તો નવ નાળવાંનો કાદવનો કુંભ બોલાવીશ. તું આ કાદવનો કુંભ બોલાવી દે તો તું જીત્યો ને હું હાર્યો.” આટલું કહી માએ માવલજીને કહે છે કે “અંજાર શહેરમાં કુંભાર સામત કરવટો છે. તે નરમાદમાંથી નવનાળનો કાચા કાદવનો કુંભ બનાવી રાજકચેરીમાં આવશે તેને બોલાવી દેવાની બારવણજીને કહેજો.” એટલું કહી માતાજી અદ્રશ્ય થઈ ગયા. માતાજીના સંકેતથી અંજાર શહેરના કુંભાર સામત કરવટાની આંખ્યુમાં અલૌકિક તેજ પ્રગટે છે. નરમાદમાંથી પુરષતત્ત્વ લઈ નવ નાળવાળો કાચા કાદવનો કુંભ બનાવે છે. કુંભનો ઘાટ રૂપનો શણગાર જોઇ એ કુંભ લાખા ફુલાણીને ભેટ ધરવા હાલી નીકળે છે. સવારે લાખા જાડેજાની કચેરી ભરાણી છે. બારવણજી ભાટને ઉતાવળ હોવાથી તેમની શરતનો ફેંસલો આજે જ થઈ જવાનો આગ્રહ રાખે છે. સૌની નજર માવલ સાબણી ઉપર નોંધાઈ છે. માવલ સાબાણી મા ૨વરાઈનું સ્મરણ કરી વિનયપૂર્વક, આદરથી વાત કરે છે કે “હે બારવણજી ભાટ છ મહિનાનું બાળક બોલે એ કોઈ નવાઈની વાત નથી કારણે તેનાં મુખમાં જીભ હોય છે. જીભ માનવને બોલવામાં સહાયક હોય છે.” આટલું માલવજી બોલી રહ્યાં હતાં એ દરમ્યાન અંજારના સામત કરવડો કુંભાર નવનાળ વાળો કાદવનો કુંભ લઈને કચેરીમાં પ્રવેશ કરે છે. લોકો સામત કુંભારની કુંભ બનાવવાની કરામત જોઈ આફરીન થઈ ગયા. માવેલજી તેમની વાત આગળ વધારતાં કહે છે કે “જો બારવણજી આ નવ નાળવાવાળો કાદવનો કુંભ બોલાવો, તમારાથી કુંભ બોલે તો મારા હાથ પગના કાંડા કાપી લેવાના. ન બોલે તો તમારે હાર સ્વીકારવી તમે અમારા મહેમાન છો તમારા ઉપર અમારાથી વિશેષ કાંઈ થાય નહીં.”

રાગ – માઢઃ
બારવણ ભાટ મહા બળીયો જીત્યો ના જીતાય,
નાના બાળ બોલાવે ગર્વ ઉરલાવે માંડ્યો કચ્છ કચેરીએ વાદ.

સામત કુંભારે કુંભનું કચેરીમાં બાજોઠ ઉપર સ્થાપન કરે છે. શક્તિની જ્યોત પ્રગટાવે

ચાર હાથની જમણી, પૂજીને માડયો પાટ,
જો બોલાવે બારવણ, ભલેભુસી નાંખે મા ભાટ.

માવલજી બારવણને કહે “બોલાવો નવ નાળવાવાળા કુંભને” બારવણજી મા હરસિધ્ધિ સ્મરણ કરે છે. માંને પુકાર કરે છે “હે કોયલા ડુંગરમાં વાસ કરનારી મારી માં રખવાળી હરસિધિમાં હાજરાહજુર પરચો પુરનારી હે મા મારી સહાયતા કરવા આવજે” બારવણજીના ગર્વને મદને કારણે તેમજ કચ્છધરામાં ન જવાની અને જવાનું થાય તો વાદ વિવાદન કરવાની માએ ના પાડી હતી. બારવણજી માના વેણ ભૂલી ગયા હતા.

અભિમાનથી જાય છે, રાજ ધર્મ ને વંશ,
ત્રણ ટોડા હાલ્યા ગયા ક૨વ રાવણને કંશ.

બારવણજીએ હરસિધ્ધમાનું સ્મરણ કુંભ પાસે કરવા છતાં કુંભમાંથી અવાજ આવતો નથી. બારવણજીએ અથાગ મહેનત કર્યા પછી માવલજીને કહે “હું હારી ગયો હવે માવલજી તમે કુંભ બોલાવો.” માવલજી મા રવરાઈનું સ્મરણ કરી ઊભા થયા. કુંભ પાસે જઈ કુંભનું વિધિવત પૂજન કર્યું. બે હાથ જોડી કુંભને નમસ્કાર કરી દરેક દિશામાં આકાશ, પાતાળને નમસ્કાર કરી, સર્વે સભાજનો, રાજપરિવારજનો, રાજા, પંડિત, કવિઓ સૌ કોઈને નમસ્કાર કરી શીશ નમાવી રવરાઈમાનું ધ્યાન ધરી સ્મરણ કરે છે, માવલજીએ માતાજીનું સ્તુતિ-ગાન શરૂ કર્યું.

છંદઃ
અણવટ ઝાંજર પાય ઓપે, ઘણણણ વાગે ઘૂઘરી,
સિંદુર તીલક ભાલ સોઈ છીડ માળા સાંકળી,
હેમ કાજુ ગળે હુંલર ધુપ આગે ધમધમે,
રવરાઈ માજી ભીર રાખણ સાદ આપણ આ સમે,
૨વરાઈ રવેચીયે જગ પ્રવેશીય અકળ પરચો ઈશ્વરી.

નવનાળવાવાળા કુંભમાં સાક્ષાત ૨વરાઈમાં બિરાજી માવલજીને પડકારા કરવા લાગ્યાં. સૌ કોઇ માતાજીને વંદી રહ્યાં. જય જયકાર બોલાવા લાગ્યા. બારવણજીએ પોતાની હાર કબુલતા કહ્યું કે “હું હારી ગયો છું તમે જે શિક્ષા કરો તે ભોગવવા હું તૈયાર છું.” એ સાંભળી માવલજી બોલી ઉઠયા “બારવણજી આપ તો મહાશક્તિ હરસિધ્ધિ માતાજીના ઉપાસક ને આરાધક છો આપના પ્રતાપથી જ માતાજી રવરાયના પરચાનું પ્રાગટ્ય થયું છે.”

હોડ કર્યોને ભાટ હાર્યો, જીત્યો માવલજી મા આઈ,
કર્યા નવ નાળે હુંકારા માવલજીને ખમકારા રવેચીમાં.

આપ અમારી સાથે થોડાં દિવસ રોકાઈ કચેરીને મોજ કરાવો એજ અમારી ઈચ્છા છે. માવલજીના આગ્રહવશ બારવણજી માવલજીના ઘરે મહેમાનગતી માણવા રોકાઈ ગયા. માવલજીને ત્યાં ચાર પુત્રીના લગ્ન પ્રસંગની અવસર આવી પુગ્યો. માવલજીની ઈચ્છા જાનને અને મહેમાનોને બાર મહિના સુધી રોકી ધામધુમપૂર્વક અવસર ઉજવવાની બારવણજી સમક્ષ માવલજીએ વાત કરી. માવલ્જી કહે ” છ મહિના જાનને અને મહેમાનોને માં ૨વરાઈના પ્રતાપથી રોકવી છે ને ત્યાં સુધી આપને પણ રોકાવાનું છે.” માવલજીના અતિ આગ્રહને કારણે બારવણજીને માવલજીને ત્યાં રોકાણ કરવું પડે છે. માવલજી દિકરીઓનાં લગ્ન લખે છે. સાડા ત્રણ પહાડાના ચારણોને લગ્નના અવસરે નોતરે છે. ચારણ સમસ્ત માવલજીને ત્યાં લગ્ન અવસરે પધારે છે. ચારણકુળ માવલજીને નાત પટલાઈની પદવી ને પાઘડી બંધાવે છે. માવલજીના આંગણે પરણવા આવનાર વરરાજાઓ હતા.

પરથમ વર ઉઢાસ વખાણીયે, બીજો બાટી રાણ,
ત્રીજો ચારણ સાડવો, સાંચે મેર પ્રમાણ.

ઉઢાસ શાખાનો, બાટી શાખાનો, સાંડવા શાખાનો અને સાંચશાખાનો એમ ચારેય ચારણશાખાના વરરાજાઓ સર્વ પ્રકારે સમોવડીયા અને સરખે સરખા શોભી રહ્યાં હતા. છ મહિના સુધી માવલ સાબાણીએ જાન અને મહેમાનોને રોકી ભવ્યતાથી લગ્નઅવસરને સંપન્ન કરી વિદાયે વળાવવાનો સમય આવી પહોંચ્યો. વિદાય તો કાયમને માટે વસમી હોય છે. મોટી દિકરી વિદાય વેળાએ વધુ કોચવાવા લાગી એટલે માવલજીએ કહ્યું કે “બેટા જાનબાઈ કેમ તું વધુ કોચવાશો કંઈ મુઝવણ છે ?” એટલે જાનબાઈ કહે “બાપુજી મારે ૨વરાઈમાના દર્શન કર્યા વિના અન્નપાણી ન લેવાના નીમ છે. આ નીમનું શું થાશે.’ આ સાંભળી માવલજીએ રવરાયમાનું ફળુએક થેલીમાં પધરાવી દિકરીને આપતા કહે છે કે
“આલે બેટા આ રવરાઈમાની તું પૂજા કરજે.” બીજે દિવસે સારા મુહૂર્ત ચોઘડીયે જાનોને અને મહેમાનોને વિદાય આપવામાં આવે છે.

માવલ સાંબાણીના મોટી પુત્રી જાનબાઈ સાસરે આવે છે. માતાજીનું ફળુ ડામસીયા ઉપર રાખી દીધું ને ધુપ, દિવો કરી માતાજીની ચરજો ગાવા લાંગ્યા. માતાજીના ફળમાંથી શિંગડા પ્રગટયા. જાનબાઈના ફુઈ (સાસુ)ને ફળા ઉપર શિંગડા દેખાતા જાનબાઈને પૂછ્યું કે “આ શું છે ? “જાનબાઈ કહે “કુઈ મારા પિતાજી પાસેથી માં રવરાઈનું ફળુ લઈ આવી
છું. મારે માના દરરોજ દર્શન કરવાના નીમ છે.” જાનબાઈ ફળા ઉપર જોવે છે તો શિંગડાનો માએ પરચો પૂર્યો છે. ત્યારથી ઉઢાસ કુટુંબ ૨વરાઈ રવેચીમાને શિંગાડી તરીકે પુજે છે. ઉઢાસ કટુંબ માને આરદા કરે છે ત્યારે પણ આવજે શીંગાળી આવજે, અમારી સહાય રહોને સદાય શીંગાળીમાડી અમારા વડીલ કરસનદાસ કેશવદાસ ઉઢાસમાનું સ્તુતિ ગાન કરતા કહે છે કે :

દોહોઃ
ગુનપતી ગુન ગાયે ગુણી, અધિક બુદ્ધિ ઉપાય,
કરૂં અરજ કરજોડ કે, સદા રહો તુમ સહાય.
બલવંત બાણવણ બાલક ખટ માસયે બોલાયો,

છંદઃ
રધ્ધ દાતા ૨વરાઈ કુંભ કાચો લઈ મંગાયો,
નવહી નાળવા કિધ ચોપ કરી સિંદોર ચડાયો,
આઈ કિની અદાસ ગુણ મુખ ભાટે ગાયો.
સોય ને દિનો સાદ સુણે નહ કાને શકિત.
બોલે મુખ બાણવણ મુ જ દે અતિ મતી.
ઊઠી આયો માહોલ આયો, અઠે ગર્વ ભાટરા ગારીયા,
સાદ દિનો નવ નાળવે શકત ભૂપત સબે ભાળીયા,
અણ સમરી આઈ સુણો આરદા શકિત,
તું હી પ્રસન નીત કાંય મુંઢ ને દિયણ મતી,
કરે સેવકારા તું સહાય રાજેશ્વરમાં ૨વરાયા.
તું હીં પ્રસન્ન રહે નીત્યય મહાવર દે વરદાય,
સુણીને અમણા સાદ આઈ તું ભીરે આયે,
તું શીંગાળી સદાયે એક કારણ રૂપ કહાયે,
મેંદને પરચો દિનો મહા સબ કાજ સુધારણી,
કરસનદાસ અરજી કરે તું સબ ચિંતા હરતું ચારણી.

બારવણજી ભાટના વંશજો પોરબંદરમાં છે. તેઓની શાખા બારવાણીયા છે. તેમનો ચારણો સાથેનો સંબંધ સગાં ભાઈઓ જેવા અધપિ ચાલ્યો આવે છે.

********

લેખકઃ- કલાભાઇ. બલુભાઇ ઉધાસ
માહિતી-સંદર્ભઃ- ચારણની અમીરાત અંક
ચિત્રાંકન-છબીઃ- કરશનભાઇ. ઓડેદરા- પોરબંદર
પ્રેષિત-સંકલનઃ- મયુર.સિધ્ધપુરા-જામનગર
मूल लेखक: कला भाई बलुभाई उढास।
माहिती संदर्भ: चारण नी अमीरात अंक।
चित्र: करसन भाई देवसी भाई ओडेदरा
प्रेषित: मयूर सिद्धपुरा

Loading

Leave a Reply

Your email address will not be published.