મોતી

🌻ગઝલ🌻
છે સમદર ને તળિયે મોતી,
લઇ ને પાછા વળિયે મોતી.
વીજ ઝબુકતાં અમે પરોવી,
બાંધ્યું છે માદળિયે મોતી.
આ તરણાં પર ઝાકળ જાણે,
જડિયું સોના સળિયે મોતી!
બનશે નવલખ હાર અનુપમ,
સઘળાં જો સાંકળિયે મોતી
અક્ષર અક્ષર જગમગ જળહળ,
વેરાણાં કાગળિયે મોતી.
બુરા ગ્રહો થી બચવા ધાર્યું,
મેં ટચલી આંગળિયે મોતી.
“નરપત” આ હંસોનો ચારો,
ઝીણું ઝીણું દળિયે મોતી.
~~નરપત “વૈતાલિક”