સૂરજ ઝાકળ માં ઝડપાયો!

surajjhakalma

સૂરજ ઝાકળ માં ઝડપાયો!
રહ્યો ભાગતો કિંતુ બિચારો પરોઢિયે પકડાયો!

લાલ લ્હેરિયુ ઊષા લાડી નું ખેચ્યુતું ગઇ કાલે!
ને તમ તમતા મરચાં જેવા ભર્યા ચુંબનો ગાલે!
બિચારી ને પ્રેમ પિયાલો ‘ના’કહેતાં પણ પાયો!

સૂરજ ઝાકળ માં ઝડપાયો!
રહ્યો ભાગતો કિંતુ બિચારો પરોઢિયે પકડાયો!

અખબારો માં આ ઘટના ના સમાચાર પણ આવ્યા;
જેણે સંસદ ના પાયા ને પળભર માં થથરાવ્યા;
કરવા ઝબ્બે સૂરજ ને તખ્તો રાતે ગોઠવાયો!

સૂરજ ઝાકળ માં ઝડપાયો!
રહ્યો ભાગતો કિંતુ બિચારો પરોઢિયે પકડાયો!

દેખી એને કોન્સટેબલ કુકડા એ સીટી મારી!
ને સૌએ ઝડપી લેવાની તુરત કરી તૈયારી!
રિમાન્ડ લેતાં જુવો ને થઇ ગ્યો કેવો ડમરો ડાહ્યો!

સૂરજ ઝાકળ માં ઝડપાયો!
રહ્યો ભાગતો કિંતુ બિચારો પરોઢિયે પકડાયો!

અંઘારી આલમ ના તત્વો સાથે હતી સગાઈ!
તેથી છટકવા એને મદદ કરી ગ્યા “વાયુ-ભાઈ”
એ.કે.છપ્પન સમો વાયરો “સનનન” કરતો વાયો!

સૂરજ ઘરતી માં ખોવાયો!
રહ્યા શોધતા તોય પછી તે ના કેમેય પકડાયો!

~~નરપત “વૈતાલિક”

Loading

Leave a Reply

Your email address will not be published.